જીવનની ગઝલ ચાલે છે ...


ગુજરાતના એક જાણીતા કવિનો એક શેર આજકાલવારંવાર યાદ આવે છે :

“રોજ લંબાયા કરે

ને લાજ પણ રાખે છે,

ભર-સભામાં દ્રૌપદીનાં

ચીર જેવું જીવન લાગે છે.”

આપણી આસપાસ જે ઘટનાઓ
બની રહી છે તે જોતાં આ જ તરજ પર નવા શેર ઉમેરવાનું મન થાય છે…

***

ધીમી બળે છે, ને

વધુ લિજ્જત આપે છે

સમસ્યા હોલવાય શેની ?

અહીં, સૌની ખિચડી પાકે છે !

***

ફરે છે ગોળ ગોળ

છતાં ઝડપી લાગે છે,

જાયન્ટ વ્હીલમાં જ હવે,

વધુ 'વિકાસ' લાગે છે !

***

તળિયાઝાટક થવાનું

મળશે જરૂર કોઈ કારણ

ચોરો ભાગી ગયા પછી

ચોકીદારો રોજ જાગે છે !

***

સ્કેમ, કપટ, કરતબ,

ધર્મ, સિદ્ધાંતને અહમ્‌

એક જ મલ્ટિપ્લેક્સમાં

કેટલી ફિલ્મો ચાલે છે !

***

પાંચ, સાત કે નવ ?

કેટલાં મીંડા આવે છે ?

નિત નવાં કૌભાંડો

ગણિત પાકું કરાવે છે !

***

ડૂબ્યાં આખાં વહાણ

ત્યાં દૂરથી હોડી આવે છે

ને ભાગેડૂ ઉંદરોનાં

જીવમાં જીવ આવે છે !

***

જેટલું દોડો, એટલા જ

સાલા, દૂર ભાગે છે

ઝાંઝવાના જળ સમા

‘અચ્છે દિન’ લાગે છે !

***

આન, ઇજ્જત, સ્વાભિમાન

શું શું બચાવે છે...

એકાદ જૂનું ટાયર

કેટલું કામ આવે છે !

***

દેર  છે, અંધેર નથી

ઠાલી નથી સાવ આશા

સવાર પડવા આવે

ત્યાં જ લાઈટ આવે છે !

- મન્નુ શેખચલ્લી

Comments