'બોર્ડવાળાં' મમ્મી પપ્પાઓનું પ્રશ્નપત્ર!


બોર્ડની એક્ઝામોમાં સ્ટુડન્ટો કરતાં એમનાં મમ્મી-પપ્પાઓના ટેન્શનો વધી જતાં હોય છે !

આ તો સારું છે કે બોર્ડવાળા મા-બાપોની પરીક્ષાઓ લેતા નથી… જોકે અમે મમ્મી પપ્પાઓ માટે એક ખાસ નવું પ્રશ્નપત્ર બનાવી કાઢ્યું છે…

***

ફરજિયાત પ્રશ્ન (૧)

તમે જ્યારે દસમા કે બારમાની પરીક્ષા આપેલી ત્યારે તમે કેટલા ટકા લાવેલા ? સાચું બોલજો…

***

ટૂંકનોંધ લખો

(૧) એક્ઝામ સેન્ટરની બહાર બેઠાં બેઠાં અંદરની ચિંતાઓ કરવાની કળા.

(૨) બાળકો માટે બાધાઓ રાખવાનું મહત્ત્વ.

(૩) ગિફ્ટમાં આવેલી ફાલતુ બે ડઝન બોલપેનોનું રિ-સાયકલિંગ કરવાના ઉપાયો.

(૪) ટ્યૂશન ફીના પૈસા વસૂલ કરવાના વિવિધ ઉપાયો.

(૫) સ્કુટી, સ્કૂટર કે બાઈક અપાવવાથી થતી આડ અસરો.

***

ફરજિયાત પ્રશ્ન (૨)

તમે બોર્ડની પરીક્ષામાં ૯૦ ટકાથી વધારે માર્કસ નહોતા લાવી શક્યા તેના કારણે જિંદગીમાં તમારી ઉપર કેટલાં આભ તૂટી પડ્યા છે ?

***

ખાલી જગ્યા પૂરો

(૧) બાબા કે બેબીના ભવિષ્યની ચિંતાઓ કરવાની જવાબદારી ……………. ની છે. (આપની / બાપની)

(૨) બેફામ રીતે વધતી જતી સ્કૂલ તથા ટ્યૂશનની ફી માત્ર …………. નો વિષય છે. (ખર્ચાનો /ચર્ચાનો)

(૩) માત્ર 65 ટકા માર્કસ લાવનાર સંતાનોને આપણી ………… માં આવવાનો કોઈ હક નથી. (દુનિયામાં /ફેસબુકમાં)

(4) 98 ટકા માર્કસ લાવવા છતાં રડ્યા કરતાં બાળકો કરતાં  45 ટકા માર્ક્સ લાવીને હસ્યા કરતાં બાળકો વધુ ……….. છે. (નફ્ફટ / સ્માર્ટ)

(૫) પોતાનાં સંતાનો વિશે ડંફાશો માર્યા કરતી મમ્મીઓ આગળ આપણને પણ …………… મારવાનું મન થાય છે. (ડંફાશ / ગપ્પાં)

***

ફરજિયાત પ્રશ્ન (૩)

જો તમારે આજે 10માં કે 12માની પરીક્ષા આપવાની આવે તો તમારાં સંતાનો જેટલાં જ ટ્યૂશનો અને ઉજાગરા કર્યા પછી તમે કેટલા ટકા લાવી શકો તેમ છો ?

***

વિચાર વિસ્તાર કરો

“વિચારોનો અમલ કરવાનો વિચાર હંમેશા વિચારણા હેઠળ જ હોય છે !”

- મન્નુ શેખચલ્લી

Comments