લગ્નોમાં અંબોડા દર્શન !

મેરેજ સિઝનમાં મંડપો, વરઘોડા અને ડીજે ડાન્સો જોવા સિવાય પણ ઘણી ચીજો દર્શનીય છે. દાખલા તરીકે અંબોડા ! મહિલાઓનાં અંબોડા દર્શનમાં પણ તમને વિવિધ અવતારો જોવા મળશે.
* * *

કેક-અવતાર દર્શન

આ ટાઈપના અંબોડાઓમાં બર્થ-ડેની કેક જેવું લગભગ બધું જ હોય છે. જેમ કે ફુલપત્તીની ડિઝાઈનો, ગોળ મોટો આકાર, ગોલ્ડન સિલ્વર બોર્ડરો… વગેરે. બસ, ઉપર ‘હેપ્પી બર્થડે’ લખવાનું જ બાકી હોય છે ! અને હા, મીણબત્તી ખોસેલી નથી હોતી !
* * *

મધપૂડા અવતાર દર્શન

અમુક અંબોડાઓ મધપૂડા જેવા વિરાટ સાઈઝના હોય છે. મધપૂડાની પેટર્નને મેચ કરવા માટે ઉપર નેટ (જાળી) પણ લગાડવામાં આવે છે. આસપાસ મધમાખીઓ બણબણતી હોય તેવી ઈફેક્ટ માટે ગોળ ગોળ આકારનાં ગુંચળાં જેવી લટો પણ બહાર કાઢેલી હોય છે.
* * *

સુગરી માળા અવતાર

સુગરીના માળાની માફક આવા અંબોડામાં વાળની ભૂંગળીઓ બનાવવામાં આવે છે. અને સુગરીના માળાની જેમ જ, એન્ટ્રી માટે ભૂંગળીના નીચેના ભાગે  પોલાણ પણ હોય છે.
* * *

રાફડા અવતાર

કીડી-મકોડાના હોય એવા પ્રચંડ સાઈઝના રાફડાની જેમ આમાંથી પણ હિમાલયમાં વસતા સાધુ-બાવાની જટા જેવા જાડાં જાડાં દોરડાંની નીકળતાં હોય છે.
એટલું જ નહિ, શ્રધ્ધા અનુસાર તેની ઉપર ફૂલોની માળા તથા ક્યારેક કોડીઓ તથા રૂદ્રાક્ષ વડે પણ સુશોભન થતું હોય છે.
* * *

કળશ – કુંભ- મટકી અવતાર

ઓછી ઊંચાઈવાળી મહિલાઓને શોભે તેવી ડિઝાઈનના આ અંબોડાને દૂરથી જોતાં એમ જ લાગે કે બહેનશ્રીએ માથા ઉપર કાળા કલરનો કળશ, કુંભ કે માટલું ઉપાડ્યું છે ! સદ ભાગ્યે, માંડવે આવેલી જાનને વધાવવા માટે આવી  બહેનોને વધારાનું માટલું ઉંચકવાની જવાબદારી સોંપાતી નથી.

* * *

પર્વત અવતાર

માથા ઉપર આખો હિમાલય નહિ તો કમ સે કમ કૈલાસ પર્વત ઉંચક્યો હોય તેવો આભાસ કરાવતી આ ડિઝાઈન હજી ધીમે ધીમે ફેશનમાં આવી રહી છે.
આફ્રિકન સ્ટાઈલની ડિઝાઈનમાં માથા ઉપર કડલાંઓ વડે પર્વત રચાયો હોય તેવો આભાસ થાય છે. જ્યારે ભારતીય સ્ટાઈલમાં મંદિરનું શિખર માથા ઉપર ઉંચક્યું હોય તેવું જણાય છે

જોતાં રહો અને બોલો, જય અંબોડે !

-     મન્નુ શેખચલ્લી

Comments