શ્રીદેવી પછીનું 'બાથરુમ ચિંતન '


અમારી પ્રિય અભિનેત્રી બાથરૂમમાં ગબડીને બાથટબમાં ડૂબીને મૃત્યુ પામી એ સમાચારે અમને તો ‘વિચારતા’ કરી દીધા છે !

જોકે અમારું ચિંતન જરા પ્રેક્ટિકલ છે…
***

અંતિમ સ્નાન

દેશના લાખો સિનિયર સિટિઝનો બાથરૂમમાં લપસી પડે છે. થાપાનું હાડકું ભાંગી જાય છે…

… ત્યારે બાથરૂમનું એ સ્નાન ‘અંતિમ સ્નાન’ સાબિત થાય છે કારણકે ત્યારબાદ તેઓ બાથરૂમમાં જાતે નહાવા લાયક નથી રહેતા.
***

આધ્યાત્મિક ચેતવણી

તો શું દરેક બાથરૂમના બારણે એવું બોર્ડ મારવું જરૂરી નથી ? કે “સાવધાન ! યહ આપ કા અંતિમ સ્નાન હો સકતા હૈ… કૃપયા ઈશ્ર્વર કો યાદ કર લેં, ધન્યવાદ.”
***

નૈતિક ચેતવણી

અભિનેત્રીઓના બાથરૂમોના બારણે તો ખાસ ચેતવણી હોવી જોઈએ કે “યહાં પ્રવેશ કરને પર સિર્ફ પૈર હી નહિં, ઈમાન ભી ફિસલ સકતા હૈ.”
***

સલામતીના ઉપાયો

નજર હટી, દુર્ઘટના ઘટી… અમે તો કહીએ છીએ કે બાથટબની આસપાસ બે-ત્રણ ઠેકાણે ‘સંકટ સમયની સાંકળ’ લટકતી હોવી જોઈએ. સાંકળ ખેંચાય કે તરત બહાર સાઈરન વાગવા માંડે !
***

બાથરૂમ લિન્ક્ડ વીમો

બાથરૂમમાં નાંખવામાં આવતા લીસ્સા ટાઈલ્સ જ દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેથી કોઈપણ જાતના બાથરૂમ ટાઇલ્સની ખરીદી સાથે ‘બાથરૂમ લિન્ક્ડ વીમો’ ફરજિયાત હોવો જોઈએ.
***

આધારકાર્ડ લિન્ક્ડ બાથરૂમ

આગળ જતાં તમારા દરેક બાથરૂમને તમારા આધારકાર્ડ સાથે લિન્ક કરવું ફરજિયાત હશે. નહિતર ‘બાથરૂમ-ડેથ’ના કેસમાં આધારકાર્ડ હોય તો પણ ડેથ સર્ટિફિકેટ મળશે નહિ.
***

ચિકની નહીં, ખુરદુરી…

‘ખુલે મેં નહીં, શૌચાલય મેં જાઈયે’ની જેમ વિદ્યાબાલન તથા બચ્ચન સાહેબ ટીવીમાં એડ્ઝ લાવશે… “ક્યા આપ અબ ભી ચિકની ફર્શ પે નહાતે હૈં ? ચિકની ફર્શ જાન લેવા હો સકતી હૈં… બાથરૂમમેં ખુરદુરે ટાઈલ્સ લગવાયેં, અપની ઉમર બઢાયેં !”
***

જોકે અભિનેત્રીઓ ખુલ્લામાં નહાય એમાં સૌની સલામતી છે… પૂછી જોજો રાજકપૂરના આત્માને !

- મન્નુ શેખચલ્લી

 

Comments