12માની એક્ઝામ પછીનું પ્લાનિંગ !


ટેન્શન ના કરો .અમે વડીલોની જેમ "બેટા, આગળનું શું વિચાર્યું છેએએએ?" એવા ચાંપલા સવાલો  નથી કરવાના.

ઉલટું, એકઝામોની જંજાળમાંથી છૂટ્યા પછી રિલેક્સ થવા માટે શું શું કરવું તેની થોડી ટિપ્સ આપવાની છે...

***

ગરદન ઊંચી કરો

વાંચી વાંચીને જે તમારી ગરદન ઝૂકી ગઈ છે તેને ફરી ટટ્ટાર કરવા માટે સિનેમાહૉલમાં જાવ અને બને એટલી આગળની લાઈનમાં ટિકિટો લઈને, ગરદન ઊંચી કરીને ફિલ્મ જુઓ !

***

કોર્સ  પૂરો કરો

કોર્સ? હજી કેવો કોર્સ ?  અરે યાર, છેલ્લા બે વરસમાં તમે જે ફિલ્મો, વેબસીરીઝો, વિડિયોઝ અને ગાયનો 'મિસ' કરી ગયા છો એનો 'પેન્ડિંગ' કોર્સ તો પતાવવાનો કે નહીં ?

***

રિવેન્જ લો

જો 12મામાં પાસ થઇ જવાની પુરેપુરી ખાતરી હોય તો સ્કૂલના સૌથી ત્રાસદાયક માસ્તરોનો બદલો લો. રોજ જઈને એમના વાહનોની હવા કાઢી નાખો !

***

પોતાનો હક માંગો

જો નાપાસ થવાની પુરી ખાતરી હોય તો અત્યારથી જાગો. સ્કૂલોમાં અને ટ્યુશન ક્લાસોમાં જઈને "અમારી ફી પાછી આપો..." એવું આંદોલન ચલાવો. 

(સિરિયસ વાત લાગે છે ? ચાલો, સ્ટુપિડ આઈડિયાઝ પાર પર પાછા ફરો)

***

ગેમ રમો

સ્કૂલે જવા આવવાના જાણીતા રસ્તા પર જઈને દોસ્તો જોડે બેસો. પછી દૂર દૂરથી મોઢે દુપટ્ટો બાંધીને આવતી સ્કૂટી પર બેઠેલી છોકરી કઈ છે તે સૌથી પહેલું કોણ કહી આપે છે, તેવી ગેમ રમો !

***

વિરહનો ઉત્સવ ઉજવો 

ફેરવેલ પાર્ટી તો બધા કરે, તમે 'સેપરેશન પાર્ટી' ગોઠવો. 12મા પછી બધા છૂટા પડી જવાના છો એવા કરુણ ખ્યાલને વાગોળતા વાગોળતા રડો !... સમૂહમાં રડો !

***

આશાવાદ જગાવો

મોદી સાહેબની પ્રેરણા લઈને 'અચ્છે માર્ક્સ આયેંગે' એવી જોરદાર હાઇપ ઉભી કરો !
મમ્મી-પપ્પાને કન્વીન્સ કરો કે બેંગ્લોર, ચંદીગઢ કે ત્રિવેન્દ્રમ જેવી જગા એ કોઈ જોરદાર કોલેજમાં એડમિશન લેતા પેહલા ત્યાં 'જાત તાપસ' કરવી જરૂરી છે !

બસ, પછી દોસ્તો જોડે કુલુ, મનાલી કે કોડાઇ કેનાલ બાજુ ફરવા જતા રહો !

- મન્નુ શેખચલ્લી

Comments