અમેરિકાની એક યુનિવર્સિટીએ 164 દેશોમાં સર્વે કરાવીને એવું શોધી કાઢ્યું છે કે પુરુષોને આખું વરસ ખુશ રહેવા માટે 57 લાખ રૂપિયા જોઈએ છે… પણ સ્ત્રીઓને એનાથી વધારે, એટલે કે 64 લાખ રૂપિયા જોઈએ છે !
સાહેબો, આ સર્વે ઇન્ડિયામાં નથી થયો લાગતો ! કારણ કે અહીં થયો હોત તો રિઝલ્ટો સાવ જુદાં જ હોત…
સ્ત્રીને ખુશ થવા માટે…
8-10 નેકલેસ, બે ચાર ડઝન સોના-ચાંદીની બંગડીઓ, એકાદ ડઝન ડાયમન્ડ રિંગ્સ, 150-200 સાડીઓ, 500-700 ડ્રેસિસ, 300-400 મેચિંગ પર્સ, 60-70 મેચિંગ સેન્ડલ્સ, પ્લસ, એ બધા સાથે આવતી દરેક ટાઈપની એસેસરિઝ… અને 2-4 કાર, એક-બે બંગલા, એકાદ-બે ફાર્મ હાઉસ, ડ્રાઈવર, નોકર, રસોઈયા, કામવાળીઓ… તથા અવારનવાર મળતી ગિફ્ટો, રોઝિઝ, લક્ઝુરિયસ રેસ્ટોરન્ટમાં ડીનર… વગેરે વગેરે…
જ્યારે પુરૂષને ?
એને 1 બાટલી અને ૨ દોસ્તારો મળે એટલે પત્યું !
સ્ત્રી ક્યારે ખુશીથી નાચી ઊઠે ?
જ્યારે ફેસબુકમાં ઢગલાબંધ લાઈક મળે, જ્યારે પાડોશણ એની સાડી જોઈને જલે, જ્યારે સાસુમાની બોલતી બંધ થઈ જાય, જ્યારે કીટી પાર્ટીમાં એની હેર-સ્ટાઈલનાં વખાણ થાય, અરે, જ્યારે બ્યુટિ-પાર્લરવાળી છોકરી એની ‘સ્કીન’ની તારીફ કરે…
અને પુરૂષ ?
જ્યારે વન-ડે મેચમાં ઇન્ડિયા પાકિસ્તાનને છેલ્લા બોલે હરાવે !
સ્ત્રીને શેમાં મઝા પડે છે ?
શોપિંગ વખતે મળતા ડિસ્કાઉન્ટમાં, છાપાની કુપન વડે મળતા ઈનામમાં, જોબ કરતાં કરતાં ગુંથેલા મફલરમાં, લન્ચ ટાઈમે બીજી મહિલા કર્મચારીઓના ખાધેલા ટિફિનમાં, શાકવાળા જોડે રકઝક કરીને લીધેલા એકસ્ટ્રા ધાણા-મરચામાં, પ્યાલા બરણીવાળીની જોડે દોઢ કલાક લમણાફોડ કરીને લીધેલી વધારાની સ્ટીલની વાડકીમાં…
અને પુરૂષને?
બસ, તીખા તમતમતા, ગરમાગરમ 500 ગ્રામ દાળવડામાં !
સ્ત્રીઓ ક્યારે જલસા કરે છે ?
હસબન્ડનો પગાર આવે ત્યારે અને છોકરાંઓને વેકેશન હોય ત્યારે.
પુરૂષો ક્યારે જલસા કરે છે ?
પત્ની પિયર ગઈ હોય ત્યારે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment