લગ્નોમાં જાનૈયા ટાઈપ્સ


સિઝન મેરેજની છે. આ સિઝનમાં તમે માર્ક કરજો કે જાનૈયાઓ કેવી કેવી ટાઈપ્સના હોય છે…
* * *

ટ્રાફિક કંટ્રોલ ટાઈપ
૧૩૦ ફૂટના રોડ ઉપર ૧૧૦ ફૂટમાં વરઘોડો નીકળ્યો હોય અને બાકીના ૨૦ ફૂટમાંથી બિચારાં વાહનો માંડ માંડ પસાર થતાં હોય ત્યાં આવીને હાથ હલાવતાં હલાવતાં ‘જવા દો… જવા દો…’  કર્યા કરતાં જાનૈયા.
* * *

ડીઆઈડી ટાઈપ
વરઘોડામાં એવી રીતે નાચશે કે જાણે ડાન્સ ઇન્ડિયા ડાન્સની ફાઇનલ ચાલી રહી હોય ! અને જો બે સ્ટેપ ખોટાં પડશે તો બિચારો ૧૩૦ ફૂટની ફાઈલનમાંથી બહાર થઈ જશે.
* * *

પાવર જનરેટર ટાઈપ
એના ડાન્સમાં એટલા બધા ઝટકા હોય છે કે જોઈને લાગે કે કાં તો એને જ કરંટ લાગ્યો છે. કાં તો હમણાં જ પેટમાં બે વાયર જોડીને વીજળીનું જનરેટર સ્ટાર્ટ કરી નાંખશે.
* * *

જૂતાં પ્રોટેક્ટર ટાઈપ
વરરાજાની સાળીઓ વરરાજાનાં જુતાં ચોરી ના જાય એના માટે આ ભાઈ ‘Z’ કેટેગરીની સુરક્ષા આપતા કમાન્ડોની જેમ આખા મંડપમાં ‘કડી નજર’ રાખતા હોય છે.
* * *

નિગોશિએટર ટાઈપ
આખરે ચોરાયેલાં જુતાં પાછા આપવા માટે વરરાજાની સાળીઓ હજી ૨૦૦૦ માંગવા જતી હોય ત્યાં આ ગ્રેટ વાટાઘાટકાર બોલી ઊઠશે, ‘૩૦૦૦થી વધારે તો નહીં જ મળે !’
* * *

શાદી ડોટ કોમ ટાઈપ
મંડપમાં ફરતી તમામ કન્યાઓના ફોટા ઓટો ઝૂમ મોબાઈલમાં પાડીને પોતાના ફ્રેન્ડઝને સેન્ડ કરીને પૂછશે, “બોલ જિગા, આના બાપને જઈને તારી વાત કરું ?”
* * *

બોતલ ગુગલ ટાઈપ
મંડપમાં પહોંચતાની સાથે જ વરરાજાના સાળાને શોધી કાઢશે અને અંગૂઠા વડે મોં તરફ ઈશારો કરીને ગુગલ સર્ચ મારતો હોય એમ પૂછશે “બેઠક કઈ બાજુ રાખી છે ? મન્ચિંગ તો ખિચામાં જ છે, હોં !”
* * *

પર્સ હોલ્ડર્સ, વેણી-ગજરા કીપર્સ
લેડીઝ લોકો તૈયાર થતી હોય એ રૂમની બહાર આ ભાઈ હાથમાં બે ચાર પર્સ સાચવતો ઊભો હશે. એટલું જ નહિ, એની પાસે એકસ્ટ્રા વેણીઓ, ગજરાઓ અને સેફ્ટી-પિનો પણ હાજર સ્ટોકમાં હશે.

ઓબ્ઝર્વ કરો અને મેરેજ સિઝન એન્જોય કરો.

મન્નુ શેખચલ્લી

Comments