રીસેસ ગુજરાતીમાં કયારે ?

વિશ્વ માતૃભાષા નિમિત્તે કેટલાક 'પેરેન્ટ્સો'ની મિટિંગ ભરાઈ છે. ગુજરાતી ભાષાને 'અન્યાય' થઇ રહ્યો છે એ વાતે સૌ ઉશ્કેરાયેલા છે.

એક ભાઈ શરુ કરે છે. "અરે સાંભળો... સાંભળો ... આજે વર્લ્ડ મધર-ટંગ-ડે છે."

"શું કહ્યું ? ટંગડી ? કોને ઊંચી રાખી છે ટંગડી ?" એક વડીલ પેરેન્ટે ભજીયું મૂક્યું.

"ટંગડી નહિ, ટંગ-ડે .... જોકે મુદ્દો તો એ જ છે કે આજના ઇંગલિશ મિડીયમ એજ્યુકેશનના પ્રવાહમાં આપણે માં-બાપોએ ગુજરાતીની ટંગડી શી રીતે અધ્ધર રાખવી ? "

"મિત્ર, આ પ્રકારની ભાષા સામે મારો સખ્ત વિરોધ છે !" એક સંસ્કારી તાતશ્રી (એટલે કે પપ્પા) તતડી ઊઠ્યા. "આપણે અહીં  આપણી માતૃભાષાનું ગૌરવ અને અસ્મિતા જાળવવાની વાતો કરવા ભેગા થયા છીએ."

"હલો, એક  મિનિટ, આ ગૌરવ અને અસ્મિતામાં શું ફરક હોય?"

"મિત્ર, વચ્ચે ના બોલો. મારો પ્રસ્તાવ છે કે આજના દિવસે આપણે સૌ આપણા સંતાનોને માત્ર અને માત્ર ગુજરાતીમાં લખવા-વાંચવા અને બોલવાનો સંકલ્પ લેવડાવવો જોઈએ."

"ધેટ ઇઝ તો ઓકે, પણ એ સંકલ્પની ભાષા એટલી બધી હાર્ડ ના રાખતા. બિકોઝ કિડ્ઝ  એવું બધું પ્રોનાઉન્સ ના કરી શકે."

આધુનિક દેખાતા ઇંગ્લીશ મિડીયમ મમ્મીની વાત સાંભળતા જ સંસ્કારી તાતશ્રી ઉશ્કેરાઈ ગયા. "શરમ આવવી જોઈએ ! વિદેશની અટપટી અંગ્રેજી ભાષાના તે વળી કાયા સાચા ઉચ્ચારો કરી નાખ્યા આપણે ? ગુલામી માણસ હાજી ગયું નથી."

"શાંતિ.... શાંતિ... પ્લીઝ શાંતિ રાખો." એક મિડલ ક્લાસ પપ્પાએ વિનંતી કરી. "મારા હિસાબે આ પ્રતિજ્ઞાવાળો વિચાર સારો છે. ટેક્સ બુકોના પહેલે પાને જેમ પેલી 'ભારત મારો દેશ છે' વળી પ્રતિજ્ઞા છાપે છે એ રીતે દરેક વિષયની ટેક્સ બુકો ઉપર -" 

"ટેક્સ-બુક નહીં, ટેક્સ્ટ બુક !" સંસ્કારી તાતશ્રી ફરી તતડી ઉઠ્યા "અંગ્રેજી ઉચ્ચારોમાં પણ ભલીવાર ક્યાં છે ? એના કરતા પાઠ્ય - પુસ્તક બોલતા શું થાય છે ?"

"પાઠયા-પુસ્તક ?.. ધેટ્સ ઇવન હાર્ડર ! એક્ચ્યુલી તો પ્રતિજ્ઞા બી હાર્ડ વર્ડ છે." ઇંગ્લીશ મમ્મી બબડ્યા.  એ બબડાટ સાંભળતા જ સંસ્કારી ભડક્યા :

"પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા શું કરો છો ? અહીં વાત સંકલ્પની થઇ રહી છે... સંકલ્પની..."

"ઓકે ? સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટ્વીન સંકલ્પ એન્ડ પ્રતિજ્ઞા ?"

"બેન, અઘરા સવાલો ના પૂછો, નહીંતર કોઈ ભાષાશાસ્ત્રીને બોલાવવા પડશે... અને મામલો સાહિત્યના જ્ઞાનસત્ર જેવો બોરિંગ થઇ જશે.'

"વૉટ ઇઝ ગ્નાનસા...ટ્રા?" આવો સવાલ પુછતાની સાથે જ મિટિંગમાં મોટો કોલાહલ મચી જાય છે. છેવટે માંડ માંડ બધાને શાંત પડ્યા પછી પેલા સંસ્કારી તાતશ્રી ચર્ચાનો દોર સંભાળે છે.

"બાળકોને ગુજરાતી ભાષાપ્રયોગના આગ્રહનો સંકલ્પ લેવડાવવાથી  જ તેમનામાં ગુજરાતી પ્રત્યે જાગૃતિ આવશે. શક્ય હોય તો પહેલો સંકલ્પ સમારંભ કોઈ મોટા સ્ટેડિયમમાં રાખી શકાય."

"વડીલ, એ બધું સરકારનું કામ છે. આપણે શું કરી શકીએ તેનું વિચારો." મધ્યમવર્ગીય બાપાએ ખિસ્સાનું પરચુરણ ખખડાવતા કહ્યું.

"બીજો એક સુંદર વિચાર છે. આપણે ગુજરાતી ભાષાનો મહાયજ્ઞ કરીએ અને એમાં ગુજરાતીના તમામ શ્રેષ્ઠ પુસ્તકોને યજ્ઞની વેદીમાં હોમી દઈએ...."

આ પ્રસ્તાવ સાંભળતાં જ અચાનક સન્નાટો છવાઈ ગયો. કોઈએ કહ્યું "ભઈ, ચોપડીઓ બાળી નાખવાની? આ તો સાલું, વિરોધ પ્રદર્શન જેવું ના ગણાય?"

"બાળવાની નથી ! આ તો પ્રતિકાત્મક આહુતિ છે ! આપણે પુસ્તકોની ઝેરોક્સ નકલોની આહૂતિ આપીશુ, બસ ?"

આ વખતે થોડા સન્નાટા પછી પેલા મધ્યમવર્ગી બાપાને સવાલ થયો. "એ તો બરોબર, પણ એનાથી ફાયદો શું થાય ? યજ્ઞના ધુમાડાથી ઇંગ્લીશ ભાષાના તત્વો બળી મરે?"

"યાર, કઈંક રિયાલિસ્ટિક વિચારો, મોડર્ન વિચારો. ફોર એકઝામ્પલ ગુજરાતી બોલવાની વર્કશોપો રાખો."

"એના કરતાં હું શું કહું છું ?" મિડલક્લાસ મમ્મીએ આંગળી ઊંચી કરી. "આ બધી ઇંગ્લીશ મિડીયમ સ્કૂલોમાં આપણા છોકરાઓને રિસેસમાં ગુજરાતીમાં વાતો કરવાની છૂટ માંગી શકાય?" 

"હા હો .. એ વાત બરોબર છે..." "છોકરાં બિચારા ગૂંગળાઈ જાય છે...' 'નાસ્તાનો ડબ્બો જમતી વખતે ભાખરીનું ઈંગ્લીશ કેવી રીતે બોલે? 'બેસ્ટ સજેશન છે...'

આવી ચણભણનો સખત વિરોધ કરતાં સંસ્કારી તાતશ્રી હવે તો મુઠ્ઠી ઉગામીને ઉભા થઇ ગયા. "શરમાઓ જરા શરમાઓ... બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાંથી ઉઠાડી લેવાને બદલે માત્ર વિરામ સમયમાં જ માતૃભાષાના પ્રયોગની અપેક્ષા રાખો છો?'

- પણ એમનું કોઈએ ખાસ સાંભળ્યું નહિ કારણકે કોઈકે આવીને એનાઉન્સ કર્યું કે "ઇટાલિયન પિજ્જાનું લાઈવ કાઉન્ટર ચાલુ થઇ ગયું છે. જેને રસ હોઈ તે....

છેવટે સભા બરખાસ્તીનો પ્રસ્તાવ પણ પસાર ન થઇ શક્યો...
જય માતૃભાષા દિન.

Comments