પતિ પત્નીના 'ફ્યુચર' ઝગડા !

આજથી પાંચ સાત વરસ પછી જે પરણેલાં કપલ ઝગડતાં હશે તેમના સંવાદો કેવા હશે ?

*** 

‘શી ખબર, મેં કયા મૂરતમાં તારો ફોટો ફેસબુકમાં પહેલીવાર જોયો હતો…’

‘આહાહા… અને મારા માથે તો કાળ જ ભમતો હતો જ્યારે મેં તારા જેવા ફાલતુ છોકરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એસેપ્ટ કરેલી…’

‘અને હું પણ કેટલો ડફોળ કે સાત જાતના ફીલ્ટરો મારીને રૂપાળી બનાવેલી તારી સેલ્ફીઓ જોઈને હું હાર્ટવાળાં ઇમોજી સાથે કોમેન્ટો કરતો હતો કે મોસ્ટ બ્યુટિફૂલ પરી ઓન અર્થ…’

‘એમ તો મારી અક્કલ પણ શી ખબર ક્યાં હેંગ થઈ ગયેલી કે મેં તારા ફોટાને લાઈક મારીને લખેલું કે યુ લુક ચાર્મિંગ…’

‘કશીયે અક્કલ હેંગ નહોતી થઈ, કાગડી ! એ તો મેં મારા ફ્રેન્ડની ‘ઓડી’ કાર જોડે ઊભા રહીને ફોટો પડાવેલો ! એમાં જ તને આંકડે મધ દેખાયેલું !’

‘તું તો શરૂઆતથી જ ચિટર હતો ! એ તો હું જ એટલી ઇનોસન્ટ હતી કે તારી ચાલમાં ફસાઈ ગઈ…’

‘કંકોડા ઇનોસેન્ટ ? તારા ચાર બોયફ્રેન્ડો હતા ! છતાં મેં તારા લવને જેન્યુઈન માનવાની મિસ્ટેક કરેલી…’

‘તો તારો લવ ક્યારે જેન્યુઈન હતો ? ચેટ જીપીટીથી લખાવેલી શાયરીઓ મને સેન્ડ કરીને ઇમ્પ્રેસ કરવા માટે પાછળ પડ્યો હતો.’

‘એમ ? પણ તું તો આખેઆખી ફેક હતી ! તેં ટોટલી ફેક પ્રોફાઈલ બનાવેલો કે તને ચાર-ચાર બ્યુટિ ક્વીનનાં પ્રાઈઝો મળ્યાં છે !’

‘એમ તો તારા રિઝ્યુમીમાં પણ તારી મન્થલી સેલેરી ચાર લાખ લખેલી !’

‘જવા દે ને ? શી ખબર તારામાં શું જોઈને મેં તને પ્રપોઝ કરેલું…’

‘ઓ હલો ! મને તો ખબર હતી કે તું કડકો, લુખ્ખો અને નવરો છે ! છતાં મારો આભાર માન કે મેં મેરેજ માટે હા પાડી !’

‘એકચ્યુલી તારે આભાર તો મારો માનવો જોઈએ કે મેરેજ પછી હું જ ઘરમાં કુકીંગ, ક્લીનિંગ અને ડીશ વોશિંગ કરી રહ્યો છું.’

‘રહેવા દે ! એ તો મેં શીખવાડ્યું ત્યારે તને માંડ માંડ આવડ્યું ! બાકી કોઈ બીજી હોત તો…’

***

- મન્નુ શેખચલ્લી

Comments