'નમકહરામ' : બે મહાનાયકોની દુશ્મનીનાં બીજ

એ જમાનામાં સિનેરસિકોમાં રીતસર બે ભાગલા પડી ગયા હતા ! મુદ્દો એ હતો કે ‘રાજેશ ખન્ના ચડે કે અમિતાભ બચ્ચન ?’ આમાં તો ક્યારેક મામલો મારામારી સુધી પહોંચી જતો હતો !

પણ તમને જાણીને નવાઈ લાગશે કે બચ્ચન અને ખન્ના વચ્ચે જે ‘દુશ્મની’ હતી તેનાં બીજ ‘નમકહરામ’ના શૂટિંગ વખતે જ નંખાયાં હતાં ! એમાંય એક ચોક્કસ સીનમાં જ !

આ એ સમય હતો જ્યારે ‘કાકા’ યાને ખન્ના સાહેબ ઓલરેડી સુપરસ્ટાર બની ચૂક્યા હતા અને બચ્ચનજીની ‘આનંદ’ પછીની સળંગ એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. 

જેમકે ‘રાસ્તે કા પથ્થર’ (સાવ સ્ટુપિડ કોમેડી હતી) ‘એક નજર’ (જયા ભાદુરી સાથે), ‘બંધે હાથ’ (મુમતાઝ હોવા છતાં), ‘પ્યાર કી કહાની’ (અનિલ ધવન જેવા મામુલી હીરો સાથે સેકન્ડ લીડમાં) ‘બંસી બિરજુ’ (જયાજીનાં પ્રેમમાં હતા એટલે સ્તો !) ‘સૌદાગર’ (ઘુંટણ સુધીની લુંગી પહેરીને લંબુજી તાડના ઝાડ પર ચડતા હતા !) અને ‘સંજોગ’ (મમ્મીની ઉંમરની માલાસિંહા સાથે).

છતાં અહીં ‘નમકહરામ’માં પ્રોડ્યુસર અને દિગ્દર્શક ઋષિકેશ મુખર્જી હતા એટલે રાજેશ ખન્નાનાં નખરાં અહીં ખાસ ચાલતાં નહોતા. ત્યાં સુધી કે રાજેશ ખન્નાએ લાલ કલરના સફારી સૂટ અને ભડકદાર રંગના સિલ્કના કૂર્તા અને લુંગી પહેરવાની ‘ફેશનો’ ચાલુ કરેલી તે સુપરસ્ટારને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને જે ઓર્ડીનરી ડિઝાઈનનું શર્ટ પહેર્યું હોય એ જ ડિઝાઈનનું શર્ટ પહેરવાની ફરજ પડી હતી !

અરે, ત્યાં સુધી કે રાજેશ ખન્નાનો એક ડાયલોગ હતો કે ‘યાર, લોગ મુઝે તુમ્હારા ચમચા કહતે હૈં’ (કેમકે ફિલ્મમાં અમિતાભ અતિશય પૈસાદાર છે અને રાજેશ ખન્ના ગરીબ છે) તો એ સંવાદ પણ કાકા સ્ક્રીપ્ટમાંથી કઢાવી શક્યા નહોતા.

આના લીધે ખન્નાજી મનમાં ધૂવાંપૂવાં તો હતા જ, એમાં આ ‘બીજ’ રોપનાર સીનનું શૂટિંગ આવ્યું. સીનમાં એવું હતું કે અમિતાભને ફોન આવે છે કે તમારા ફાધરને મારી નાંખવાને ઇરાદે એમની ઉપર કોઈએ હુમલો કર્યો છે ! આ સાંભળીને અમિતાભે સખ્ખત ઉશ્કેરાઈને ગરમાગરમ સંવાદો બોલવાના હતા.

આ આખા દૃશ્યમાં રાજેશ ખન્નાએ માત્ર એટલું જ કરવાનું હતું કે લેન્ડલાઈન ફોન ઉપાડીને બચ્ચનના હાથમાં આપવાનો અને વાતચીત પતે પછી ફોન પાછો મુકતાં પૂછવાનું કે ‘ક્યા હુઆ ?’

બસ, ખન્નાજીએ અહીં જ એમની રમત શરૂ કરી. કોઈવાર ફોન ઉપાડતાં હાથમાંથી છટકી જાય. ક્યારેક ફોન પાછો મુકવાનું ભૂલી જાય, ક્યારેક ‘ક્યા હુઆ’ પૂછવાનું રહી જાય…

પેલી બાજુ બચ્ચને ખૂબ જ ‘ઇન્ટેન્સ’ પરફોર્મન્સ કરવાનો હતો. ભલભલા એક્ટરોના અભિનય પાંચમા સાતમા રિ-ટેકમાં તો ‘મિકેનિકલ’ બની જતા હોય છે. છતાં બચ્ચનનો પરફોર્મન્સ નબળો પડી રહ્યો નહોતો.

ખન્નાએ એમની ગેમ ચાલુ જ રાખી ! આમ કરતાં કરતાં, તમે નહીં માનો, પણ ૪૭ રિ-ટેક થઈ ગયા !

આખરે દિગ્દર્શક ઋષિકેશ મુખરજીની ધીરજ ખૂટી ગઈ. ૪૭મા ટેક પછી ઋષિકેશજીએ ખન્નાને સાઈડમાં બોલાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ‘આ રમત બંધ કર, નહીંતર હું ફિલ્મ જ બંધ કરી દઈશ !’

ખેર, ખન્નાએ ૪૮મો ટેક ‘ઓકે’ થવા દીધો ! પરંતુ અમિતાભ બચ્ચન, જે તે વખતે સાવ ફ્લોપ એક્ટર હતા, તેમણે કદાચ મનમાં પાકી ગાંઠ વાળી હશે કે ‘જબ મેરા વક્ત આયેગા  તબ…’

‘જંઝિર’ હિટ થયા પછી જ્યારે બચ્ચનનો સિતારો પણ તેજીમાં આવ્યો ત્યારે ‘સ્ટારડસ્ટ’માં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું તો ચોથા જ રિ-ટેકથી એની ગેમ સમજી ગયો હતો ! પરંતુ મને મારી એક્ટિંગ પર પુરો ભરોસો હતો. ૪૭ તો શું, ૯૭મો ટેક થતો હોત તો પણ મારો પરફોર્મન્સ સેઈમ રહ્યો હતો ! કેમકે હું એક ‘એક્ટર’ છું, માત્ર ‘સ્ટાર’ નહીં…’

ખન્નાજીની સળી માત્ર આ સીન પુરતી નહોતી. કહેવાય છે કે ‘બેકેટ’ નામના બ્રિટિશ નાટક ઉપર આધારિત આ ફિલ્મની મૂળ સ્ક્રીપ્ટમાં અમિતાભ બચ્ચનનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ ખન્નાજીએ જીદ કરીને સ્ક્રીપ્ટમાં ફેરફાર કરાવ્યો અને પોતે જ ‘મરી ગયા’ !

ખેર, ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે ‘જંઝિર’ને કારણે બચ્ચનજી સ્ટાર બની ગયા હતા. એટલે, ફિલ્મમાં ખન્નાજીના મોત પછી બચ્ચન જે રીતે બહાર આવીને પબ્લિકને ધમકાવી નાંખે છે એ સીન પર તાળીઓ અને સીટીઓ પડતી હતી !

પરંતુ આ બે મહાનાયકો (સુપરસ્ટાર્સ) વચ્ચે જે ‘દુશ્મની’ પડી ગઈ તે છેક સુધી રહી હતી. બચ્ચન સાહેબે ‘ગિન ગિન કે’ બદલો લેવા માટે સિને ગોલ્ડ એસોસિએશનની ચૂંટણીમાં ઝંપલાવીને ખન્નાજીને સજ્જડ હાર આપી હતી.

ત્યાર બાદ રહી રહીને પતી ગયેલી કરિયર ફરી બચાવવાના પ્રયાસમાં જ્યારે રાજેશ ખન્ના સાઉથની એક સુપરહિટ ફિલ્મની રિ-મેક ‘આજ કા એમલએલએ રામાવતાર’ બનવા રહ્યા હતા ત્યારે બચ્ચનજીએ એમને કચડી નાંખવા માટે રાતોરાત સાઉથની બીજી એક પોલિટીકલ સ્ટોરી ધરાવતી ફિલ્મનો 
રિ-મેક હાથમાં લીધો અને સળંગ ૨૯ દિવસ લાગલગાટ શૂટિંગ કરીને ખન્નાજીની ફિલ્મ પહેલાં જ રિલીઝ કરી દીધી હતી. 

એ ફિલ્મ હતી ‘ઇન્કિલાબ’ (૧૯૮૪). જોકે ત્રણ જ વરસ પછી ‘શહેનશાહ’ ‘ગંગા જમુના સરસ્વતી’ ‘જાદુગર’ ‘મૈં આઝાદ હું’ ‘અગ્નિપથ’ અને ‘અજુબા’ જેવી સળંગ સાત ફ્લોપ ફલ્મોનો માર બચ્ચન સાહેબે પણ ખાવો પડ્યો હતો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો...

* ‘નમકહરામ’ જે બ્રિટીશ નાટક ‘બેકેટ’ ઉપરથી બની હતી, તેનો તેલુગુ રિ-મેક ‘ઉનક્કામા નાન’ નામે બની હતી જેમાં શિવાજી ગણેશને રાજેશ ખન્નાનો રોલ ભજવ્યો હતો.

* ‘નમકહરામ’ની વારતાનો જે મેઇન પ્લોટ છે તેનો ઉપયોગ ‘ચક્રવ્યુહ’ (૨૦૧૨)માં કરવામાં આવ્યો છે.

* અભિનેતા રઝા મુરાદને આ ફિલ્મથી પહેલી લોકપ્રિયતા મળી હતી.

* ફિલ્મ બનીને રિલીઝ થતાં સુધીમાં અમિતાભ બચ્ચન સ્ટાર બની ગયા હતા એટલે ક્રેડિટ ટાઈટલ્સમાં એમનું નામ ‘… એન્ડ અમિતાભ બચ્ચન’ એ રીતે આવે છે.

* ‘મૈં શાયર બદનામ…’ ગીત રઝા મુરાદ ઉપર પિક્ચરાઈઝ થવાનું હતું પણ રાજેશ ખન્નાની જીદને કારણે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

***

- મન્નુ શેખચલ્લી 

Comments