અવળચંડા સ્ટુપિડ વિચારો !


દુનિયાના ડાહ્યા અને વિચારશીલ લોકો ઊંડા, ઊંચા અને ભારેખમ વિચારો કરતા હોય છે. પરંતુ ભગવાને અમારી ખોપડીમાં જે મગજ ફીટ કરી આપ્યું છે એમાં સ્ટુપિડ અને અવળચંડા વિચારો જ આવે છે ! જુઓ નમૂના…

*** 

મારા વાહન વડે હું શોર્ટ-કટમાં ઘૂસીને, રોંગ સાઈડમાં ઘૂસીને, રેડ-લાઈટમાં ઘૂસીને રોજ જે સમય ‘બચાવું’ છું… તે મને ‘વાપરવા’ માટે ક્યારે મળશે ?

*** 

લોકો શિયાળામાં ધાબળા વહેંચે છે, ઉનાળામાં છાશ વહેંચે છે… તો ચોમાસામાં છત્રી અને રેઈનકોટ કેમ નથી વહેંચતા ?

*** 

આયુર્વેદ વડે ફલાણો રોગ મટી જાય છે, નેચરોપથી વડે ફલાણી સમસ્યા દૂર થઈ જાય છે, હોમિયોપેથીમાં ફલાણા દર્દનો કાયમી કાયમી ઈલાજ છે, યોગા વડે તો ભલભલા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય છે…

આવા મેસેજો તો રોજ આવે છે પણ ‘એલોપથી’ વડે ફલાણો રોગ કાબૂમાં આવી જાય છે, એવા મેસેજો કેમ કદી નથી આવતા ?

*** 

ભારતમાંથી અમેરિકા જતા માલ ઉપર ૫૦ ટકા ડ્યૂટી લાગશે એમાં ખાસ ચિંતા જેવું નથી એવું મોટામોટા નિષ્ણાતો કહ્યા કરે છે…

પણ બોસ, જે આપણા દેશીઓને અમેરિકામાં ‘ભારતીય મરી મસાલા’ વિના ચાલતું નથી એમના બજેટની કેમ કોઈ ચિંતા કરતું નથી ?

*** 

અચ્છા, ભાજપના કોઈ નેતાને ઘરે કદી ઈડીના દરોડા કેમ પડતા નથી ? ના, આ તો જસ્ટ અવળચંડો વિચાર…

*** 

અને ભારતનાં કેટલા વિમાનો પાકિસ્તાને તોડી પાડ્યાં, અને પાકિસ્તાનનાં કેટલાં વિમાનો ભારતે તોડી પાડ્યાં… એ જાણીને હવે શું ફેર પડવાનો છે ?

*** 

ડ્રાઈવીંગ કરે એને ડ્રાયવર કહેવાય, ટિચીંગ કરે એને ટિચર કહેવાય, બોલિંગ કરે એને બોલર કહેવાય… તો પત્નીને ‘કુકર’ ના કહેવાય ?

*** 

અને છેલ્લે..
જ્યારે બધે ઠેકાણે ‘એઆઈ’ આવી જશે ત્યારે પછી આપણે જાતે વિચારો કરવાના કે નહીં ? બહુ લોચા છે યાર..

***

- મન્નુ શેખચલ્લી

Comments