આ ગાંધી... પેલા ગાંધી... !

આજે ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનું આ ૧૫૬મું વર્ષ બેઠું. જોકે દેશમાં ‘ગાંધી’ એટલા બધા થઈ ગયા કે થોડો ગુંચવાડો થઈ ગયો ! પરંતુ હાલમાં જે ગાંધી છે એની સરખામણી પેલા અગાઉના ઓરીજીનલ ગાંધી સાથે કર્યા વિના રહેવાતું નથી…

***

પેલા ગાંધી ટ્રેનના થર્ડ ક્લાસમાં બેસીને બે વરસ સુધી દેશને ‘જાણવા’ માટે ફર્યા.

આ ગાંધી ૧૫૦ દિવસ સુધી પગપાળા દેશને ‘જોડવા’ માટે ફર્યા. (જ્યારે દેશ જોડાયેલો જ હતો.)

***

પેલા ગાંધી અવારનવાર અન્ન-જળનો ત્યાગ કરી દેતા હતા.

આ ગાંધી તો અવારનવાર દેશનો જ ત્યાગ કરીને ક્યાંક ગાયબ થઈ જાય છે !

***

પેલા ગાંધી તેમના ‘ઉપવાસ’ માટે જાણીતા હતા.

આ ગાંધી એમના ‘ઉપહાસ’ (જોક્સ) માટે જાણીતા છે !

***

પેલા ગાંધીએ જનતામાં ‘હિન્દ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું હતું.

આ ગાંધીએ કોંગ્રેસીઓને ‘કોંગ્રેસ છોડો’ આંદોલનની પ્રેરણા આપી છે !

***

પેલા ગાંધી ભારત દેશને આઝાદી અપાવવા માગતા હતા.

આ ગાંધી કાશ્મીરને ફરીથી આઝાદી અપાવવા માગે છે. (૩૭૦ લાવીને)

***

પેલા ગાંધી માટે ગાંધીવાદીઓ કહે છે કે ‘નવી પેઢીએ ગાંધીજીને સમજવા જોઈએ.’

આ ગાંધી માટે તો દરેક પેઢીના લોકો કહે છે કે ‘આ ભાઈ સમજાતા જ નથી !’

***

પેલા ગાંધી દેશને સ્વાવલંબી બનાવવા માટે રેંટિયો કાંતતા હતા.

આ ગાંધીએ ફોટા પડાવવા માટે માત્ર બે વાર રેંટિયો કાંત્યો છે.

***

પેલા ગાંધીને આજે ૧૫૬મું વરસ બેઠું.

આ ગાંધીને ૫૬ના આંકડા સામે તો ૩૬નો આંકડો છે !

***

પેલા ગાંધીએ દેશમાં ઠેર ઠેર ગાંધી આશ્રમો ખોલ્યા હતા.

આ ગાંધીએ દેશમાં ઠેર ઠેર ‘મહોબ્બત કી દુકાનો’ ખોલી છે !

***

પેલા ગાંધીએ લંડન જઈને ચર્ચિલને ખરી-ખોટી સંભળાવી દીધી હતી.

આ ગાંધી વારંવાર અમેરિકા જાય છે અને ભારતને ખરી-ખોટી સંભળાવે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments