દસમા-બારમા ધોરણની એક્ઝામો ચાલી રહી છે. બિચારાં છોકરા-છોકરીઓ સાયન્સ, મેથ્સ, બાયોલોજી જેવા અઘરા અઘરા વિષયોનાં ટેન્શનો માથે લઈને ફરે છે.
બીજી બાજુ, વિચાર આવે છે કે યાર, ફિલ્મોની એક્ઝામો કેમ નથી હોતી ? જુઓ, અમે ઓલટાઈમ ગ્રેટ મુવી ‘શોલે’ની એક ‘ગાઈડ’ બહાર પાડી છે !
ભલે ‘શોલે’ની એક્ઝામ ના લેવાય… સવાલ-જવાબ તો વાંચી રાખો ?.....
***
સવાલ : રામગઢમાં વીજળી જ નહોતી, કોઈના ઘરમાં નળ પણ નહોતા, તો પછી આવડી મોટી ટાંકી શેના માટે બાંધી હતી ?
જવાબ : તમને કોણે કહ્યું કે એ પાણીની ટાંકી હતી ?
અરે બોસ, એમાં તો દારૂ ભરીને રાખતા હતા ! જોયું નહિ, ધર્મેન્દ્ર ઉપર ચડીને કેવો ટલ્લી થઈ ગયો હતો ?
***
સવાલ : ઇન્સ્પેક્ટર બલવંતસિંહ યાને કે ઠાકુર, જય અને વીરુને એક જ હાથકડીમાં બાંધીને ગુડ્ઝ ટ્રેનમાં કેમ લઈ જતા હતા ?
જવાબ : અરે યાર, ઠાકુર પૈસા બચાવતા હતા ! બેમાંથી એક હાથકડી એણે વેચી મારી હતી ! સાદી ટ્રેનને બદલે ગુડ્ઝ ટ્રેનમાં મુસાફરી કરીને, ત્રણ ત્રણે ટિકીટોનું ટ્રાવેલીંગ એલાઉન્સનું બિલ મુકીને, પૈસા ખિસ્સામાં નાંખી દેતા હતા !
***
સવાલ : જ્યારે ત્રણ ડાકુઓ પાછળ પડ્યા હોય છે ત્યારે બસંતી એમ શા માટે કહે છે કે “ચલ ધન્નો ! આજ તેરી ઈજ્જત કા સવાલ હૈ !”
જવાબ : કારણકે પાછળ પડેલા ત્રણ ડાકુઓ ઘોડીઓ નહિ, ત્રણ ઘોડા લઈને પાછળ પડ્યા હતા !
***
સવાલ : ‘યે દોસ્તી…’ ગાયનમાં બતાડી છે એવી સાઈડ-કાર ધરાવતી રાજદૂત બાઈક બજારમાં કેમ ખાસ ચાલી નહીં ?
જવાબ : ના જ ચાલે ને ? જોયું નહિ, ગાયન વખતે સાઈડ-કાર એની મેળે છૂટી પડી જતી હતી !
***
સવાલ : સુરમા ભોપાલી કયા ભાવે લાકડું વેચતો હતો ?
જવાબ : એ જાણીને તમારે શું કરવું છે ? સબસીડીના નામે લીધેલો ઉજ્જવલા ગેસનો બાટલો પતી ગયો છે ?
***
સવાલ : ગબ્બર એવું શા માટે પૂછ્યા કરે છે કે હોલી કબ હૈ ?
જવાબ : પૂછે જ ને ! ત્યાં આવડા મોટા મોટા પથ્થરો ઉપર ક્યાંય કેલેન્ડર લટકતું જોયું ?
***
સવાલ : ‘શોલે’ ફિલ્મમાં સૌથી કપરું કામ કોણ કરી રહ્યું હોય છે ?
જવાબ : ઠાકુરનો નોકર રામલાલ… કારણ કે ઠાકુરના તો બન્ને હાથ કપાઈ ગયા હતા અને રામલાલે જ ઠાકુરનું બધું ‘ધોઈ’ આપવું પડતું હતું !
***
સવાલ : ઠાકુરની પુત્રવધુએ એમની હવેલીમાં શા માટે જાતે ફાનસો સળગાવવાં પડતાં હતાં ?
જવાબ : કારણકે રામગઢમાં ભાજપની સરકાર બની નહોતી ! ભાજપ આવી ગયું હોત તો 24 કલાક વીજળી ના મળતી હોત ?
***
સવાલ : જય અને વીરુ રામગઢમાં જ સ્થાયી થઈને ખેતી કરવાનું શા માટે વિચારતા હોય છે ?
જવાબ : એમને એમ હશે કે આગળ જતાં કોંગ્રેસવાળા બધી બેન્ક-લોનો માફ જ કરવાના છે ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment