રાહુલબાબાની 'ગરીબી એક ખોજ' !


રાહુલ ગાંધીના નાના જવાહરલાલ નહેરુએ ‘ભારત એક ખોજ’ નામનું પુસ્તક લખ્યું હતું.

હવે રાહુલ બાબા ‘ગરીબી એક ખોજ’ નામનું જોરદાર પુસ્તક લખી રહ્યા છે ! વાંચો…

***

“ગરીબી કેવી હોય ? કેવા રંગની હોય ? શું ગરીબીને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય ?... મને આવા આવા સવાલો સતત થઈ રહ્યા છે.

હવે તો હાલત એવી છે કે ગરીબી વિશેનું મારું ‘ચિંતન’ અટકતું જ નથી. મારા એરકન્ડીશન્ડ બેડરૂમમાં, મારી એસી કારમાં, મારી વાઈ-ફાઈવાળી હાઈ-ફાઈ ઓફિસમાં બેઠાં બેઠાં અને સૂતાં સૂતાં મને ગરીબોના જ વિચારો આવે છે.”

***

“મને બહુ પાયાનો એક સવાલ થાય છે… સવાલ એ છે કે જો છેક 1970માં મારી દાદી ઈન્દિરાજીએ ‘ગરીબી હટાઓ’ની ઝુંબેશ વડે ચપડી વગાડતાં જ ગરીબી દૂર કરી દીધી હતી તો અત્યારે આ બધી ગરીબી ક્યાંથી પાછી આવી ગઈ ?

મેં મનમોહન અંકલને પૂછી જોયું. એ કંઈક બોલ્યા, પણ મને સંભળાયું જ નહિં.

મને લાગે છે કે આખી ગરીબીને પાછી ઘૂસાડી દેવાનું કાવતરું મોદીજીનું જ છે.

***

મેં મમ્મીને પૂછી જોયું કે “મમ્મી, આ ગરીબો ગરીબ કેમ હોય છે?”

મમ્મીએ ભેદી રીતે સ્માઈલ કરીને મને કહ્યું “ગરીબો હંમેશાં ગરીબ જ હોય છે... એટલે જ તો કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહેતી આવી છે.”

હું ગુંચવાઈ ગયો. મેં કહ્યું “એનો મતલબ તો એમ થયો કે 2014 વખતે ગરીબો ગરીબ નહોતા ?”

મમ્મીએ હંમેશની જેમ કંઈ જવાબ આપ્યો જ નહિ… ઠીક છે, હું અહેમદ અંકલને પૂછી લઈશ. એમને મમ્મીનાં ઘણાં સિક્રેટ ખબર છે.

***

આ ગરીબી પણ એક મોટું સિક્રેટ બનતું જાય છે…

મેં એહમદ અંકલને પૂછ્યું “આપણે આ ગરીબોને વરસે 72,000 રૂપિયા આપવાનું વચન શા માટે આપી રહ્યા છીએ ?”

“એમની ગરીબી દૂર કરવા માટે.”

“હા, પણ પૈસા મળતાં જ એમની ગરીબી દૂર થઈ જશે ! પછી એ લોકો ગરીબ નહિ રહે ! જો ગરીબ નહિ રહે, તો એ લોકો કોંગ્રેસને વોટ નહિ આપે… આ તો લોચો થઈ જશે ને ?”

એહમદ અંકલે પણ ભેદી રીતે સ્માઈલ આપ્યું.

પછી ધીમેથી મને કહે છે : “બહુ લાંબુ ના વિચારો… સૌથી પહેલાં તો આપણે કોંગ્રેસની જ ગરીબી દૂર કરવાની છે…”

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment